Friday, March 30, 2007

વસંત ગઝલ ર.પા.

છાપરાં રાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે,
માર્ગ મદમાતા થયા ગુલમ્હોર મ્હોર્યા એટલે.

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું,.
દ્ર્શ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

બાધી ના બંધાઈ કંચુકીમાં એની પોટલી,
વક્ષ ચડિયાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

વાયુ અણિયાળો થયો તેની ય ના પરવા કરી,
મન ઉઝરડાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

આ ગલીમાં, ઓ ગલીમાં આ ઘરે, ઓ મેડીએ,
જીવ વહેરાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં-
પર્વ ઊજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું રમેશ?
ભાન ડહોળાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે.

કવી શ્રી. રમેશ પારેખ.
હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,

ચેતન ફ્રેમવાલા

Saturday, March 17, 2007

વસંત વૈભવ -૩

વસંત વૈભવ -૩
બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,
કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

સવારે બારી ખોલતાં જ થાય છે દર્શન,
મળે ગુલમ્હોર એ અદાથી જાણે સંત મળે.

અમે જે પાનખરોમાં વિખેરી નાખેલી,
અતૃપ્ત ઝંખનાઓનો ફરીથી તંત મળે.

ગલી ગલીમાં ફરી રહી છે મહેક દીવાની,
અને ગલીઓ બેઉ છેડેથી અનંત મળે.

કરે છે આગેકૂચ પુરબ્હારમાં ફૂલો,
નશીલી સાંજને કેવો વિજય જ્વલંત મળે.

વહે તો માત્ર ટહુંકાઓ વહે કોયલના,
બધા કોલાહલો નગરના નાશવંત મળે.

કવી શ્રી. હિતેન આનંદપરા.

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Thursday, March 15, 2007

વસંત વૈભવ -૨ હોળીને ટાણે

લોકડિયાં દેખે છે લાલ આંખમાં ઊડે ગુલાલ !
મુખડાની ખાશો ગાળ , આ તે શું કર્યું?
આડે દહાડે જોર ન ફાવ્યું, આજ હોળીનું ટાણું;
ઘણા દિવસની ગુંજ રીસની આજ ઉકેલો જાણું ! લાલ..

જે કહેશો તે 'હા' જ હાવાં, નવ માનું તે ચૂકી
-ઓરા આવો, કહું કાનમાં, 'મારા સમ દો મૂકી!" લાલ!...

શું કરું ? જો આવી સાંકડે, મારું જોર ન ફાવ્યું;
દયાપ્રીતમ! મુને કાયર કરીને તોબાખત લખાવ્યું ! લાલ !...

કવિવર્ય શ્રી દયારામ.

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા

Saturday, March 3, 2007

આ બ્લોગ નાં શ્રી ગણેશ વસંત વૈભવ થી

જય ગુર્જરી,
આ બ્લોગ નાં શ્રીગણેશ વસંત વૈભવ થી કરું છું.
આશા છે આ બ્લોગ ને પણ આપ સૌ વધાવી લેશો...

ચક્લામાં ચેતી ચાલો નવાઈલાલ!
હોળીનો પૈસો આલો નવાઈલાલ!

આજે છે રંગ રંગ હોળી,નવાઈલાલ!
આવી ઘેરૈયાની ટોળી,નવાઈલાલ!

ખાવાં છે સેવ ને ધાણી,નવાઈલાલ!
દાણ માગે છે દાણી,નવાઈલાલ!

આવ્યા નિશળિયા દોડી,નવાઈલાલ!
શાહીની શીશીઓ ઢોળી,નવાઈલાલ!

ઝાલી છે હાથ્માં ઝોળી,નવાઈલાલ!
સિકલ તમારી છે ભોળી,નવાઈલાલ!

જૂની તે પોતડી પ્હેરી,નવાઈલાલ!
લાગો છો રસિયા લ્હેરી,નવાઈલાલ!

ભારે હિમ્મત તમે કીધી,નવાઈલાલ!
ભાભીની કિમ્મત કીધી,નવાઈલાલ!

ઊંધી તે ટોપી પ્હેરી,નવાઈલાલ!
હસશે ગામની ગોપી,નવાઈલાલ!

ચશ્માની દાંડી વાંકી,નવાઈલાલ!
આંખોની આબરૂ ઢાંકી,નવાઈલાલ!
શ્રી વેણીભાઈ પુરોહિત..

હંમેશ મુજબ આપનાં અભિપ્રાય આપશો .
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા